મારી 'રામપ્યારી'
એ ફક્ત લોખંડ અને રબરનું મશીન નથી, એ તો મારા પરિવારનો એક સભ્ય બની ગઈ છે.

પરિચય અને શરૂઆત
આજે રસ્તા પર ચમકતી નવી ગાડીઓ નીકળે છે, મોટી સ્ક્રીન અને અઢળક ફીચર્સ વાળી ગાડીઓનો જમાનો છે. કદાચ આજના જમાનાની સાદી 'VXi' ગાડીમાં પણ એ બધું આવી જાય છે જે એક સમયે મારી 'સ્વિફ્ટ ડિઝાયર ZXi' ની શાન હતી.
આ ગાડી જ્યારે મેં સેકન્ડ હેન્ડ લીધી હતી, ત્યારે એના મીટર પર ૫૨,૦૦૦ કિલોમીટર લખાયેલા હતા. મધ્યમ વર્ગનો માણસ છું, એટલે પેટ્રોલના ભાવ તો પોસાય જ નહીં—ગાડી લીધી કે તરત જ એમાં CNG કિટ ફિટ કરાવી દીધી હતી!
આજની તારીખે એના મીટર પરનો આંકડો ૨,૪૨,૦૦૦ કિલોમીટર ને પાર કરી ગયો છે.
આ ફક્ત આંકડા નથી, આ મારી જિંદગીના સફરના સાક્ષી છે.
અપ-ડાઉન ની સાથી
હું લીંબડી રહું છું અને મારી જોબ અમદાવાદમાં છે. આટલા વર્ષોમાં લીંબડીથી અમદાવાદ વચ્ચેનું અપ-ડાઉન બહુ કર્યું છે! સવારની વહેલી ઠંડીમાં નીકળવું હોય કે સાંજે થાકીને ઘરે પાછા ફરવું હોય, બપોરનો ધોમધખતો તડકો હોય કે અડધી રાતનો વરસાદ, પરિવારની ખુશીના પ્રસંગો હોય કે કોઈ કપરા સમયની દોડધામ—CNG ના સહારે આ ગાડીએ મારા ખિસ્સા પર ભાર પડ્યા વગર આ હાઈવે પર મારી સાથે બધું જ જોયું છે.
રોજ જોબ પર અમદાવાદ જવાનું હોય, વતન જામનગર જવાનું હોય કે પછી પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનું હોય—મારી આ 'રામપ્યારી' એ આજ સુધી ક્યારેય રસ્તામાં દગો નથી આપ્યો.
હા, હવે એ થોડી ઘરડી થઈ ગઈ છે. શરીર પર સમયના થોડા ઘોબા પડ્યા છે, રંગ પણ ક્યાંકથી થોડો ઝાંખો પડ્યો છે. કોઈ અજાણ્યો માણસ કદાચ એને જોઈને 'જૂની ગાડી' કહી દે, પણ મારા માટે એ આજે પણ એટલી જ અડીખમ ઊભી છે.
જ્યારે હું સ્ટીયરિંગ પર હાથ મૂકું છું અને પુશ-સ્ટાર્ટ બટન દબાવું છું, ત્યારે એના એન્જિનનો એ જૂનો, જાણીતો અવાજ આજે પણ મને એટલો જ ભરોસો આપે છે. જેમ "સમજદાર કો ઈશારા હી કાફી હૈ", એમ મારી આ ગાડીને પણ બસ ગીયર લિવરનો એક ઈશારો જ કાફી છે—તરત જ મારો મૂડ અને જરૂરિયાત સમજીને દોડવા લાગે છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર નીકળે ત્યારે CNG પર હોવા છતાં હજુ પણ એવી અલગ છટાથી ચાલે છે કે નવી ગાડીઓ પણ જોતી રહી જાય. દેશી ભાષામાં કહીએ તો—"હજુ પણ ડમરી ઉડાડે છે!" અને સૌથી મોટી વાત, આજે પણ જ્યારે હું એને લઈને ઘરેથી નીકળું છું, ત્યારે ક્યારેય મારા પહોંચવાના અંદાજ ને ખોટો નથી પડવા દેતી—સમયસર મંઝિલ સુધી પહોંચાડી જ દે છે.
તમને ગમી શકે તેવી અન્ય વાર્તાઓ

કાજુ બટર મસાલા: ખાસ પ્રસંગોનો શાહી સ્વાદ અને પરિવાર સાથેની એ મખમલી સાંજ
રવિવારની સાંજ હોય કે કોઈ ખાસ પ્રસંગ, ગુજરાતીઓના મેનુ કાર્ડ પર સૌથી પહેલી પસંદ એટલે કાજુ બટર મસાલા. મખમલી ગ્રેવી, સોનેરી કાજુ અને ગરમાગરમ નાન સાથે પરિવાર અને મિત્રો સાથે વિતાવેલી ખુશીની ક્ષણોનો આ શાહી સ્વાદ છે.



વાચકોના વિચારો અને ટિપ્પણીઓ
તમારો અભિપ્રાય વાર્તાને વધુ સમૃદ્ધ બનાવે છે
ચર્ચામાં ભાગ લેવા માટે લૉગિન કરો
તમારી ટિપ્પણી સીધી એડમિન મંજૂરી માટે જશે. સુરક્ષિત અનુભવ માટે Google સાઇન-ઇન જરૂરી છે.